સુરતના મીની બજાર વિસ્તારમાં હીરા વેરાયા અને તેને વીણવા લોકોએ કરી પડાપડી, કોણ જાહેર માર્ગ પર હીરા નાંખી ગયું?

સુરત: પેટ્રોલ, દૂધ કે શાકભાજી ઢોળાઈ જાય તો લોકો તેની લૂંટ ચલાવતા હોય તેવા દ્રશ્યો અતિ સામાન્ય છે, પરંતુ સુરતના મીની બજાર વિસ્તારમાં હીરા વેરાયા અને તેને વીણવા લોકોએ પડાપડી કરી હતી. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીથી વેપારીએ રોષમાં આવી જાહેર માર્ગ પર હીરા ફેંકી દીધા હતા અને જેના બાદ મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર હીરાની લૂંટ ચલાવી હતી. સાથે અમૂક લોકો તો રસ્તા પર હીરાની ચકાસણી કરતા પણ દેખાયા હતા. સ્થાનિકોના મતે લેબગ્રોન અથવા અમેરિકન હીરા હોવાનું અનુમાન છે.

નોંધનીય છે કે, રશિયન રફની સપ્લાયમાં મોટો ઘટાડો નોંધાતા સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે લાખો રત્ન કલાકારોને પૂરતું કામ ન મળવાના કારણે મુશ્કેલી ઊભી થઈ છે. એટલું જ નહીં પરંતુ નાના હીરા ઉદ્યોગકારોમાં હાલ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

સુરતના લેબર વર્ક્સ સાથે સંકડાયેલા નાના ઉદ્યોગકારોની હાલત કફોડી બની રહી છે. જ્યાં લેબર વર્કસ સાથે સંકળાયેલા નાના હીરા વેપારીઓને કામ ન મળતા કામના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. જોકે રત્ન કલાકારોને દિવાળી સુધી કામ મળી રહે તે માટેના પ્રયત્નો હીરા ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
સુરતના નાના હીરા ઉદ્યોગકારોમાં છેલ્લા ઘણા દિવસોથી હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. લેબર વર્કસથી કામ લેતા નાના વેપારીઓ હાલ ચિંતામાં મુકાયા છે. કારણ કે, છેલ્લા દોઢ વર્ષથી ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેની નેગેટિવ અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે.

ભારતમાં કટ એન્ડ પોલીશડનું 33% એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. જ્યારે 31થી 32 ટકા જેટલું એક્સપોર્ટ ચાઇનામાં થાય છે. આ બંને દેશોમાં હાલ ફુગાવાના પગલે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ ખૂબ જ ઓછી છે. જેથી ભારતમાં થતાં કટ એન્ડ પોલિશડની ઇન્ડસ્ટ્રીઝ પર બેરોજગારીનો પ્રશ્ન હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.